Ramnavmi

ભારતીય ઉપખંડના મહત્વના એવા હિંદુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જયારે સમાજમાં સત્ય ઉપર અસત્ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્કૃતિ ઉપર દૈત્ય શકિતઓ હાવી થવા લાગી ત્યારે શ્રી રામે તેમનો નાશ કરવા માટે જન્મ લીધો. તે સમય હતો બપોરના બાર વાગ્યાનો અને તીથિ હતી ચૈત્ર સુદ નવમી. શ્રી રામના આ જન્મ દિવસને ઉત્તર થી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે આજે પણ ધામધુમથી ઉજવે છે. આ રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહી પણ એક એવા પુત્રની પણ આપણને યાદ અપાવે છે, જેમાં એક વ્યકિતએ પિતા, માતા, ગુરુ, પત્નિ, નાના ભાઈ ભાડું પ્રત્યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવવા સાથે એક મર્યાદા પુરુષોત્તમ તરીકેનું, એક પૂર્ણ પુરુષનું, જીવન વ્યતિત કર્યુ.
રામ નવમી વસંત ઋતુમાં આવતો હિન્દૂ તહેવાર છે, જે ભગવાન રામનો જન્મદિન છે. વિષ્ણુના સાતમા અવતાર તરીકે, તે હિંદુ ધર્મનો મહત્વનો તહેવાર છે. ભારતના ઘણાં રાજ્યોમાં રામનવમીની જાહેર રજા રખાય છે.
આ દિવસ ઘણી જગ્યાએ રામકથાના પઠન-પાઠન દ્વારા ઉજવાય છે. ભારતીય પરંપરા દ્વારા રામાયણ અને મહાભારતને ઇતીહાસ માનવામાં આવે છે. લોકો રામમંદિરોમાં પૂજન-અર્ચન, દર્શનાર્થે જાય છે. અથવા ઘરમાં પૂજા-અર્ચના પણ કરે છે. રામની બાલમૂર્તિની સેવા-પૂજા તથા પારણાનાં દર્શન પણ કરાય છે. ઘણાં લોકો આ દિવસ વ્રત-ઉપવાસ પણ કરે છે.
આ દિવસે અયોધ્યા, સીતા સંહિત સ્થળ (ઉત્તર પ્રદેશ), સીતામઢી (બિહાર), જનકપુર ધામ (નેપાળ), ભદ્રાચલમ (તેલંગાણા), કોદંદરામ મંદિર (આંધ્ર પ્રદેશ) તથા રામેશ્વરમ (તામિલ નાડુ) તથા અન્ય નાના-મોટા નગરોમાં શોભાયાત્રાનું પણ આયોજન કરાય છે. અયોધ્યામાં લોકો સરયુ નદીમાં સ્નાન કરી રામમંદિરમાં દર્શનાર્થે જાય છે.